11
ઈસુઅ દોસ્તાર લાઝરોસોઅ મોત
1-2 લાઝરોસ નામોઅ એક માંહુંઅ આથો. તો માંદો આથો. તો પોતાઅ બોંઅયાંહ મારીયોમ ઓનો મારથાઅ આરી બેથાની ગામોમ રેત્નો. તીયોજ મારીયોમો થોળાક દીહ ફાચલાઅ માલીખ ઈસુઅ પાગહોંપોઅ ઓંતોર રેસવીન તે પોતાઅ કેંહાંહાં કોઈન નુસી ટાકના. 3 લાઝરોસ માંદુ આથુ એટલે, તીયાઅ બેનું બોંઅયોંહોં ઈસુન ખોબોર મોકની , “માલીખ, તોઅ મેરાલુ દોસ્તાર લાઝરોસ માંદુ આહાય.” 4 તીંયહોં એંહડી આસા રાખની કા, ઈસુ તુરુતુજ આવીઅ. પોન તે ખોબોર ઉનાયન ઈસુ આખ્યો, “તો મોઈ જાય તીંહીંઅ ખાતોર તો માંદુ નાંહ પોળ્યુ. પોન ઉલટો, પોરમીહેર કોતુહ મોડુ આહાય તો માંહેંઅ જાંઈં સેકે, ઓનો લાઝરોસોઅ માટો માંય જો કોઅનારુ આહાય તો દેખીન તે પોરમીહેરોઅ પોયોરોન એટલે માંન માન આપે તીંહીંઅ ખાતોર તો માંદુ પોળ્યુહ.” 5 ઈસુ મારથાન ઓનો તીયોઅ બોંઈંહ મારીયોમોન ઓનો લાઝરોસોન મેર કોઅત્નું. 6 તેબી, “લાઝરોસ માંદુ આહાય’ એવ ઉનાયન બી ઈસુ જાંહીં આથુ તાંહીં આજી બેન દીહ વાદારુ રેઅ ગોયુ.
7 બેન દીહ હાતીઅ ઈસુ આમહાંન તીયાઅ ચેલહાંન આખ્યો, “ચાલા, આપુ ફાચા યેહુદીયા જીલ્લામ જાજી!” 8 તાંહાંઅ આમહાં તીયાન આખ્યો, “ગુરુજી, આમુ થોળોકુજ દીહો પેલ્લાઅ, તાંહીંરાઅ યેહુદી ધોરમોઅ આગેવાન તુંન ઢોગળા દેયન માઈ ટાકાઅન માગત્ના. તા, ફાચુ તાંહીં કેવ જાઆંન તું માગોહ? 9 પોરમીહેરો નોક્કી કોઅનો સોમોયો પેલ્લાઅ તીયાન કાંયજ નાંહ વેનારો તો દેખાવાઅન માટો ઈસુ આમહાંન આપ્યુ , “એક દીહોમ બાર કાલાક રેતાહ. આપોઅ જોબી કામ કોઅનુંઅ વેય તો કોઆંન તો સોમોય પુરતુ આહાય. જે માંહેંઅ દીહોઅ ઉજવોળોમ ચાનતેહ તે કોય બી ચીજહીંઅરી નાંહ ઠોકાઅતે. કેવકા તે દીહોઅ ઉજવોળો કોઈન બાદો હેઈ સેક્તેહ. 10 આંદારામ ચાનત્યોઅ વોખોતુજ માંહેંઅ ચીજહીંઅરી ઠોકાઅતેહ. કાંહાંનકા, હેઆંન માટો તીંયહાંપોઅ ઉજવોળ નાંહ.”
11 એવ આખીન હાતીઅ તીયા આમહાંન આખ્યો, “આપોઅ દોસ્તાર લાઝરોસ હુવી ગોયુહ. પોન માંય તીયાન ઉઠવાઅન માટો તાંહીં જાહીં.” 12 તાંહાંઅ આમહાં તીયાન આખ્યો, “માલીખ, જો તો ખાલી હુવતુજ વેય તા, તીયાન આમુ હારો લાગતો વેય ઓનો તો હારુ વેઅ જાઈ. એટલે, તાંહીં જાયન તોઅ આફોત વોરી નેઆંન જુરુલ નાંહ.” 13 ઈસુ તા લાઝરોસોઅ મોતોઅ બાબોતોમ દાખલાઅ રુપોમુજ આખત્નું, પોન આમહાં તા, તો હુદાઅજ નીંદોઅ બાબોતોમ આખેહ એવ ધારનો. 14 તીંહીંઅ લીદો, તીયા આમહાંન સોકોજ આખ્યો, “લાઝરોસ મોઈ ગોયુહ. 15 પોન માંય ખુસ આહાય કા, તો મોઅયુ તેંહડામ માંય તાંહીં નોખુ, કેવકા તો તુમાંઅ માટો હારો વેયો. કેવકા, ખ્રીસ્ત માંયજ આહાય એંહડુ પાકુ વીસવાહ તુમું રાખા એંહડી માંઅ મોરજી આહાય. તુમું માંઅપોઅ વીસવાહ રાખહા. એટલે, ચાલા, આપુ તીયાઅહીં જાજી!” 16 તાંહાંઅ જીયાન “જોળ્યુ’ આખત્ને તીયો થોમા, બીજો ચેલહાંન ઓળબ્યોપોઅ આખ્યો, “ઈયાઅરી આપુ મોઅજી તીંહીંઅ ખાતોર ચાલા આપુ બી જાજી!”
લોકહોંન જીવતા કોઈન તીંયહાંન હાચી જીનગી આપનારુ ઈસુ
17 આમું બેથાની ગામોઅ પાહો આવી પોચ્યા તાંહાંઅ કોડા ઈસુન આખ્યો, લાઝરોસ મોઈ ગોયુ ઓનો તીયાન કોબીરોમ થોવીન ચાર દીહ વેઅ ગોયાહ. 18 બેથાની ગામ યેરુસાલેમ રેખ લોગભોગ બેન માઈલ સેટો આથો. 19 ઘોણે યેહુદી માંહેંઅ તાંહીં રેખ બી મારથાન ઓનો મારીયોમોન તીંયહોંઅ હાન્નો પાવહોઅ મોયવુળીપોઅ દીલાસુ આપાઅન આલને. 20 ઈસુ આવેહ એવ એખહુંપોઅ રેખ મારથા ઉનાઅયો તાંહાંઅ, તે તીયાન મીલાઅન આગલાઅ ગોયી. પોન મારીયોમ તા કોઉજ રેઅ ગોયી. 21 ઈસુ આથુ તાંહીં મારથા આવી પોચી તાંહાંઅ તીયો તીયાન આખ્યો, “માલીખ, જો તું આંહીં વેતુ તા, તું માંઅ પાવહોન હારુ કોઈ દેતુ ઓનો તો મોઈ નેંય જાતુ. 22 પોન માંન ખોબોર આહાય કા, માંઅ પાવહોઅ બાબોતોમ તું પોરમીહેરોપોઅ જો કાંય માગહો, તો પોરમીહેર આમુ બી તુંન આપીઅ.” 23 તાંહાંઅ ઈસુ તીયોન આખ્યો, “તોઅ પાવોહ ફાચુ જીવતુ વેઈ!” 24 તાંહાંઅ મારથા તીયાન આખ્યો, “ઓં, જેંહડામ માંય જાંઓંહ કા, સેન્નો નીયાયોઅ દીહ મોઅને માંહેંઅ બાદે ફાચે જીવતે વેઈ તાંહાંઅ, તો બી ફાચુ જીવતુ વેઈ.” 25 તાંહાંઅ ઈસુ તીયોન આખ્યો, “મોઅનાહાંન ફાચે જીવતે ઉઠવુઅનારુ ઓનો તીંયહાંન કાયોમોઅ માટો જીવાવનારુ માંયજ આહાય. માંઅપોઅ વીસવાહ રાખનારે જો મોઈ જાય તેબી, તે ફાચે જીવતે વેઈ. 26 આજી વાદારામ રાખજી તા, માંઅપોઅ વીસવાહ રાખનારે આજી જીવતે આહાય તેંહડામ તીંયહાંઅ આત્મા કોય દીહ બી નેંય મોએ. ઈં તું માનોહ કા?” 27 તાંહાંઅ તીયો તીયાન આખ્યો, “ઓં, માલીખ! માંય માનોંહ કા તુંજ પોરમીહેરોઅ પોયોર, ખ્રીસ્ત આહાય. પોરમીહેરો જીયાન આય દુન્યામ મોકનાઅન વોચોન આપનો તો તુંજ આહાય!”
લાઝરોસોઅ લીદો ઈસુ રોળેહ
28 એવ આખીન હાતીઅ તે ફાચી કોઅ ગોયી ઓનો તીયોઅ બોંઈંહ મારીયોમોન એક વેલ નેઅ જાયન તીયોન ખાનગ્યોમ આખ્યો, “ગુરુજી આપોઅ ગામોઅ પાહો આલુહ, ઓનો તો તોઅરી ગોઠી કોઆંન માગેહ.” 29 મારીયોમો તો ઉનાઅયો તાંહાંઅ, તે ઉતવાલી-ઉતવાલી ઉઠી ઓનો ઈસુઅહીં ગોયી. 30 તાંઉં લોગોઅ ઈસુ ગામોમ નોખુ વીઠુ. પોન તો તા, મારથા તીયાન મીલની તીયોજ જાગો આથુ. 31 મારીયોમોન દીલાસુ આપનારે યેહુદી માંહેંઅ જે તીયોઅરી કોઅમે આથે તીંયહાં તીયોન ઉઠીન ઉતવાલી-ઉતવાલી બારી જાતી દેખી. એટલે, તે બી તીયોઅ ફાચલાઅ-ફાચલાઅ ગોયે. તે એવ ધારત્ને કા, તે લાઝરોસોન ડાટનું તીયો કોબીરો રોળી જાહે.
32 ઈસુ આથુ તાંહીં મારીયોમ આવી પોચી ઓનો તીયો તીયાન દેખ્યુ તાંહાંઅ, તે તીયાઅ પાગો પોળી. તીયો આખ્યો, “માલીખ, તું આંહીં વેતુ તા, માંઅ પાવોહ મોઈ નેંય જાતુ!” 33 ઈસુ તીયોન રોળતી દેખી ઓનો તીયોઅરી આલનો યેહુદહ્યોંન બી રોળતે દેખ્યે તાંહાંઅ, તો તીયાઅ મોનોમ ભારી દુખી વેયુ ઓનો આકલાય ગોયુ. 34 તીયા ફુચ્યો, “તુમહાં તીયાન કાંહીં ડાટયુહ?” તાંહાંઅ માથાર્ ઓનો મારીયોમો તીયાન આખ્યો, “માલીખ, આવીન હેઅ!” 35 તાંહાંઅ ઈસુ રોળુ ખેટ્યુ . 36 તાંહાંઅ તાંહીં આથે તીયો યેહુદહ્યોં આખ્યો, “હેઆ, તો લાઝરોસોપોસ કોત્તી બાદી મેર કોઅત્નું!” 37 પોન તીંયહાં વેઅનો થોળાકહાં આખ્યો, “ઈયા એક આંદલો માંઅહાંન દેખતો કોઅયોહ. તાંહાંઅ તો આય માંહાંઅન બી હારો કોઈન તીયાન મોઅતા બોચાવી સેક્તુ!”
લાઝરોસોન ઈસુ જીવતુ કોએહ!
38 લાઝરોસ મોઈ ગોયુ તીંહીંઅ લીદો ઈસુ ફાચુ પોતાઅ મોનો-મોનોમ ભારી દુખી વેયુ. એવ તો કોબીરો આવી પોચ્યુ. કોબીર તા ડોગોઅ નોમણીઅ ખોળકામ ખોરવી કાડનો દોર આથો. તીંયહાં તીંહીંઅ મુવાલો એક મોડો ઢોગળા કોઈન બુજી દેદનો. 39 ઈસુ તાંહીંરોઅ લોકહોંન આખ્યો, “ઢોગળુ હારકાવી નેયા!” મારથા તા ઢોગળુ હારકાવાઅન દેઆંન નોખી માગતી, કેવકા તે મોઈ ગોયનો માંહાંઅ બોંઈંહ આથી. તીયો આખ્યો, “માલીખ, તીયાન ડાટીન ચાર દીહ વેતાહ. તીંહીંઅ લીદો, આમુ તા તીયાઅ લાસ ગુંદાય ઉઠી વેય!” 40 તાંહાંઅ ઈસુ તીયોન આખ્યો, “માંયોં તુંન આખનો, જો તું માંઅપોઅ વીસવાહ રાખહો તા, પોરમીહેર કોતુહ મોડુ આહાય તો તું હેઅહો. તો તું વીહરાય ગોયી કા?”
41 તાંહાંઅ તીંયહાં તો ઢોગળુ હોરકાવી નેદુ. હાતીઅ ઈસુ જુગીઅ વેલ ઉચો હેઅયો ઓનો આખ્યો, “માંઅ પોરમીહેર બાહકા, માંયોં આયો બાબોતોમ તુંન ઓરોજ કોઅયી તે તુંયોં ઉનાઅયીહ તીંહીંઅ માટો, માંય તોઅ આબાર માનોંહ. 42 તું કાયોમ માંઅ ઓરોજ ઉનાઅહો તો માંય જાંઓંહજ. પોન મોનો-મોનોમ ઓરોજ કોઓં તીંહીં કોઅતા, આંહીં ઉબો રેયનો લોકહોંઅ ખાતોર માંયોં મોડો હાદો આય આખ્યોહ, ઈંહીંઅ ખાતોર કા તુંયોંજ માંન મોકન્યુહ, એવ તે માને.” 43 એવ આખીન હાતીઅ, ઈસુ બોમનીન આખ્યો, “ઓ લાઝરોસ, બારુ નીંગી આવ!” 44 તાંહાંઅ મોઈ ગોયનો તો માંહુંઅ જીવતો વેયન કોબીરોમ રેખ બારો નીંગી આલો. લાસીઅરી વેટાલતેહ તે પોતળે આજી તીયાઅ આથહોંઅરી ઓનો પાગહોંઅરી વેટાલનેજ આથે. ઓનો લાસીન મુંયોંઅરી બાંદતેહ તો પોતળો બી આજી તીયાઅ મુંયોંઅરી બાંદનોજ આથો. તેબી તો માંહુંઅ બારો નીંગી આલો. હાતીઅ ઈસુ તાંહીંરોઅ લોકહોંન આખ્યો, “ઈયાઅરી વેટાલને પોતળે સોળી ટાકા, ઈંહીંઅ ખાતોર કા તીયાન ચાનાઅન ફાવે!” તાંહાંઅ તીંયહાં તેવ કોઅયો.
ઈસુન માઈ ટાકાઅન કાવોતરો
45 મારીયોમોન મીલે આલને તીયો યેહુદી માંહાંહાંમ રેખ ઘોણહાં, ઈસુ જો કોઅનો તો દેખ્યો, ઓનો તીંહીંઅ પોરીણામો, તીંયહાં ઈસુજ ખ્રીસ્ત આહાય એંહડુ વીસવાહ કોઅયુ. 46 પોન તીંયહાંમ રેખ થોળેક તા ફોરોસહ્યોંઅહીં ગોયે ઓનો ઈસુ જો કોઅનો તો તીંયહાંન આખ્યો. 47 એટલે, મોડો પુંજારહાં ઓનો તીયો ફોરોસહ્યોં, યેહુદી પોંચોઅ બાદો લોકહોંન એકઠાવ્યા. તે એક-બીજાન આખત્ના, “ઈસુઅ બાબોતોમ આપુ કાય કોઅજી? તો તા ઘોણા ચોમોત્કાર કોએહ! 48 જો આપુ તીયાન એવુજ કોઅયા કોઆંન દેહું તા, બાદે માંહેંઅ તીયાન ખ્રીસ્તજ માનીઅ, ઓનો તીયાન હોકીકોતોમ પોતાઅ રાજા બોંણાવી દેઈ. હાતીઅ તા, રોમ સારકારોઅ સોયનીક આવીન આપોઅ મોંદીરોન તોળી પાળીઅ ઓનો આપોઅ આખો ઈસરાયેલ દેસોઅ નાસ કોઈઅ!”
યેહુદી આગેવાન આદરાયોઅ લીદો ઈસુન માઈ ટાકાઅન નોક્કી કોઅતાહ
49 તીયો પોંચોઅ લોકહોંમ કાયફા નામોઅ માંહુંઅ બી આથો. તો તીયો વોરહોઅ માટો યેહુદહ્યોંઅ મોડામ-મોડુ પુંજારુ આથુ. ઈસુન તીંયહાંઅ દુર કોઅનુંઅ જોજવે તો દેખાવતા તીયા તીંયહાંન આખ્યો, “તુમું તા, જાણેકા તુમું કાંય બી નેંય જાંઅતા વેય, એંહડયા ગોઠી કોઅતાહ! 50 તુમું નાંહ હોમજુઅતા કા, રોમ સારકારોઅ માંહેંઅ આપોઅ બાદો યેહુદી લોકહોંન માઈ ટાકે તીંહીં કોઅતા, લોકહોંઅ ખાતોર એક માંહુંઅ મોએ તો આપોઅ માટો હારો આહાય.” 51 તીયા એવ પોતાઅ વીચારો કોઈન નોખો આખ્યો. પોન, તો તીયો વોરહોઅ મોડામ-મોડુ પુંજારુ આથુ તીંહીંઅ લીદો, તો આગાહી કોઅત્નું કા, ઈસુ આખો યેહુદી લોકહોંઅ ખાતોર મોઈઅ. 52 તો એવ બી આગાહી કોઅત્નું કા, બીજો દેસહોંમ રેનારો બાદો લોકહોંઅ ખાતોર બી તો મોઈ કા જે પોરમીહેરોઅ બોંણીઅ, ઈંહીંઅ ખાતોર કા તે એકુજ ટોલાઅ વેય તેંહડો તીંયહાંન તો એક-બીજાઅરી જોળે. 53 કાયફાઅ આય ગોઠીઅ લીદો, તો દીહ રેખ યેહુદી આગેવાન ઈસુન માઈ ટાકાઅન યોજ્ના કોઆ ખેટયા.
54 ઈસુ પોતાઅ વીરુદોઅ આય કાવોતરાઅ લીદો જાહેર રીતો નોખુ ફીરતુ. પોન આમું તીયાઅ ચેલહાંઅરી તો યેરુસાલેમ સોળીન, ઉજોળ વીસ્તારોઅ પાહીરોઅ ભાગોમ એફરા નામોઅ ગામોમ ગોયુ. ઓનો થોળોક વોખોત લોગોઅ આમું તાંહીં રેયા.
55 યેહુદી લોકહોંઅ પાસ્કા તીવારોઅ વોખોત એકદોમ પાહો આથુ તેંહડામ, દેસોઅ બીજો ભાગહોંમ રેખ ઘોણા યેહુદી લોક યેરુસાલેમ ગોયા. પાસ્કા તીવારોમ તે ભાગ નેઅ સેકે તીંહીંઅ માટો તે પોતાન સોકાલાઅન વીદી કોઆવાઅન ખાતોર તે તાંહીં ગોયા. 56-57 યેહુદી મોડો પુંજારહાં ઓનો ફોરોસહ્યોં એંહડુ હુકોમ બાર પાળનું કા, ઈસુ કાંહીં આહાય તો કોડાન બી ખોબોર પોળે તા, તો માંહુંઅ તીંહીંઅ તીંયહાંન ખોબોર આપે, ઈંહીંઅ ખાતોર કા તે ઈસુન તેઈ સેકે. એટલે, લોક જાંઆંન માગત્ના કા, કોદાચ ઈસુ તીવારોમ આવાઅન હીંમોત કોએહ કા નાંહ. ઓનો તે ઈસુન હોદયા કોઅત્ના. મોંદીરોઅ ચોવઠામ ઉબા રેયન તે એક-બીજાન આખત્ના, “તુમહાંન કેકેવ લાગેહ? તો તા તીવારોમ નેંયજ આવેહ કને?”