10
ઈસુ હારો ભારવાળોઅ ગાંઉં આહાય
1 ફોરોસહ્યોંન તીંયહાંઅ બાબોતોમ આખાઅન ચાલુ રાખતા ઈસુ આખ્યો, “માંય તુમહાંન જો આખોંહ તો બોરાબોર ઉનાય નેયા! જોબી ઘેટહાંઅ વાળામ બાંઅણા પાદરો વીહાઅન બોદલો વાળ કુદીન તીંહમેઅ વીહેહ, તો ચોર ઓનો બાંડ આહાય. 2 પોન જો માંહુંઅ ઘેટહાંઅ વાળામ બાંઅણા પાદરો વીહેહ, તોજ તીયો ઘેટહાંઅ ભારવાળ આહાય. 3 બાંઅણાઅહીં ચોકી કોઅનારો માંહુંઅ તીયો ભારવાળોઅ માટો બાંઅણો ઉગાળેહ. ઓનો તો ભારવાળ બાદો ઘેટહાંન તીંયહાંઅ નામે નેયન હાદ કોએહ; તાંહાંઅ ઘેટે તીયાઅ ઓવાજ ઓઅખુતેહ. હાતીઅ તો તીંયહાંન વાળામ રેખ બારુ નેઅ જાહે. 4 પોતાઅ બાદો ઘેટહાંન બારુ નેઅ આવીન, તો તીંયહાંઅ આગલાઅ-આગલાઅ ચાનેહ, ઓનો ઘેટે બી તીયાઅ ફાચલા-ફાચલાઅ જાતેહ. કાંહાંનકા, તે તીયાઅ ઓવાજ ઓઅખુઅતેહ. 5 પોન તે ઘેટે ઓજાણ્યો માંહાંઅ ફાચલાઅ કોય દીહ બી નેંય જાઈ. ઉલટો, તે તીયાઅહીં રેખ નાહી જાઈ. કાંહાંનકા, તે ઓજાણ્યો માંહાંઅ ઓવાજ નાંહ ઓઅખુઅતે.”
6 ઈસુ, તીયામ નો બીજો લોકહોંન સેતરુઅનારો ફોરોસહ્યોંમ કાય ફેર આહાય તો દેખાવાઅન, તીંયહાંન આય દાખલુ આપ્યુ. પોન ઈસુ તીંયહાંન જો આખત્નું તો તે નેંય હોમજ્યા. 7 તીંહીંઅ લીદો, તીયા તીંયહાંન ફાચો આખ્યો, “માંય તુમહાંન જો આખોંહ તો બોરાબોર ઉનાય નેયા! માંય ઘેટે જીંહીં પાદરે વાળામ વીહતેહ, તીયો બાંઅણાઅ ગાંઉં આહાય. કેવકા, લોકહોંન પોરમીહેરોઅ હાજર્યોમ જાઆંન દેનારુ માંયજ આહાય. 8 માંઅ રાજાયો વોગોર પેલ્લાઅ તુમાંઅ જે ધોરમોઅ આગેવાન આલના, તે બાદા ચોર ઓનો બાંડહોંઅ ગાંઉં આથા. કેવકા તે પોતાઅ ફાયદાઅ માટો ખારાબ રીતો ઓનો ઈમાનદાર્યો વોગોરોઅ વોરતુઅના. પોન જેવ ઘેટે ઓજાણ્યાઅ ઓવાજો પોરમાણો નાંહ કોઅતે તેવ, પોરમીહેરોઅ લોકહોં બી તીયો આગેવાનહોંઅ ગોઠ નોખી માની. 9 માંય બાંઅણાઅ ગાંઉં આહાય. જે માંહેંઅ માંઅપોઅ વીસવાહ રાખીન પોરમીહેરોઅહીં આવતેહ, તીંયહાંન બાદહાંન પોરમીહેર પાપોઅ સાજામ રેખ બોચાવીઅ. જેવ ઘેટે બાંઅણા પાદરે વાળામ આવતેહ ઓનો ચોરાઅન માટો સોલામોત રીતો બારે જાતેહ તેવ, માંય બી તીયો માંહાંહાંઅ જુરુલી પુર્યા પાળહીં ઓનો તીંયહાંન હાચવીહીં. 10 ચોર તા ઘેટહાંઅ વાળામ ઘેટહાંઅ ચોરી કોઆંન નો તીંયહાંન માઈ ટાકાઅન નો તીંયહાંઅ નાસ કોઆંન ખાતોરુજ આવતાહ. તેવુજ કોઈન, તુમાંઅ ધોરમોઅ આગેવાન બી પોરમીહેરોઅ લોકહોંઅ આત્મીક રીતો નુકસાન કોઅતાહ. પોન માંય તા ઈંહીંઅ ખાતોર આલુહ કા, માંહેંઅ કાયોમોઅ માટો જીવે ઓનો તીંયહાંન આત્મીક રીતો ટોકાવી રાખાઅન જોબી જુરુલ આહાય તો બાદો તીંયહાંપોઅ વેય.
11 “માંય હારો ભારવાળોઅ ગાંઉં આહાય. હારુ ભારવાળ પોતાઅ ઘેટહાંન બોચાવાઅન ખાતોર મોઆંન બી રાજી આહાય. તેવુજ કોઈન, માંય બી, જે માંઅ લોક આહાય તીંયહાંન આત્મીક રીતો બોચાવાઅન ખાતોર, માંઅ પોતાઅ જીવોઅ ભોગ આપાઅન બી તીયાર આહાય. 12 જીયાન ઘેટહાંઅ દેખરેખ રાખાઅન માટો મોજરી આપીન રાખ્યુહ તો ઘેટહાંઅ માલીખ નાંહ. તીંહીંઅ લીદો, તો, વાગ આવતુ દેખીન ઘેટહાંન ટાકી દેયન નાહી પોળેહ. હાતીઅ તો વાગ ટોલા વેઅનો ઘેટહાંપોઅ હુમલુ કોએહ ઓનો એક ઘેટાન તેઈ જાહે ઓનો બીજો ઘેટહાંન વેરા-વેર કોઈ ટાકેહ. 13 તો ચાકોર તા મોજર્યોઅ પુરતુજ આહાય તીંહીંઅ લીદો, તો નાહી પોળેહ. ઘેટહાંન કાંય બી વેય તીંહીંઅ તીયાન કાંય પોળની નાંહ રેતી. તેવુજ કોઈન, તુમાંઅ ધોરમોઅ આગેવાનહોંન પોરમીહેરોઅ લોકહોંન કાંય બી વેય તીંહીંઅ કાંય પોળની નાંહ. 14-15 માંય હારો ભારવાળોઅ ગાંઉં આહાય. જેવ હારુ ભારવાળ પોતાઅ ઘેટહાંન ઓઅખેહ ઓનો જેવ માંઅ પોરમીહેર બાહકુ માંન ઓઅખેહ તેવ, માંય માંઅ જે લોક આહાય તીંયહાંન ઓઅખોંહ. ઓનો જેવ ઘેટે પોતાઅ ભારવાળોન ઓઅખુઅતેહ ઓનો જેવ માંય માંઅ પોરમીહેર બાહકાન ઓઅખોંહ તેવ, માંઅ તે લોક બી માંન ઓઅખુઅતાહ. આજી વાદારામ આખોં તા, માંય માંઅ તીયો લોકહોંઅ માટો ભોગો તોરીકો માંઅ જીવ આપાઅન બી તીયાર આહાય. 16 ઓનો માંઅ બીજેબી માંહેંઅ આહાય કા જે એખું દીહ માંઅ બોંણનારે આહાય. તે યેહુદી જાતીઅ નાંહ. તે તા બીજો વાળા વેઅનો ઘેટહાંઅ ગાંઉં આહાય. માંઅ તીંયહાંન બી પોરમીહેરોઅહીં નેઅ આવનુંઅ આહાય. તે માંય જો આખહીં તો માનીઅ ઓનો આખોર, તે બાદે એકુજ ટોલાઅ ગાંઉં બોંણી જાઈ ઓનો માંય તીંયહાંઅ એકુજ ભારવાળ વેય તેંહડુ બોંણહીં. 17 માંઅ પોરમીહેર બાહકુ માંઅપોઅ માયા રાખેહ તીંહીંઅ કારોણ ઈં આહાય કા, માંય માંઅ પોતાઅ જીવ ભોગો તોરીકો આપહીં. પોન તેવ કોઈન જીવ આપીન હાતીઅ, માંય મોઅનામ રેખ ફાચુ જીવતુ ઉઠહીં. 18 કોડો બી માંઅ જીવ નાંહ નેતો. પોન ઉલટો, માંય પોતોજ રાજી-ખુસી માંઅ જીવ આપોંહ. માંઅ જીવ આપાઅન બી માંન સોત્તા આહાય ઓનો મોઅનામ રેખ ફાચુ જીવતુ વેઆંન બી માંન સોત્તા આહાય. માંઅ પોરમીહેર બાહકા એવુજ કોઆંન માંન હુકોમ કોઅયુહ.”
19 ઈસુઅ આય ગોઠી ઉનાયન, તાંહીં આથા તીયો યેહુદી લોકહોંમ ફાચા ભાગલા પોળી ગોયા. 20 તીંયહાં વેઅનો ઘોણહાં આખ્યો, “તીયાન પુત લાગ્યુહ, ઓનો તીયો પુતો તીયાન ગાંડુ કોઈ દેદુહ. તીયાઅ ગોઠી આપોઅ ઉનાઅનુંજ કાંહાંન જોજવે?” 21 પોન બીજહાં આખ્યો, “તો જો આખેહ તેંહડો તા, પુત લાગનો માંહુંઅ નેંયજ આખી સેકે. તીયા આંદલો માંઅહાંન દેખતો કોઅયો તેંહડો તા, પુત નેંયજ કોઈ સેકે!”
યેહુદી ધોરમોઅ આગેવાન ઈસુન દુર કોઅતાહ
22 યેહુદહ્યોંઅ આગલોઅ ડાયહાં યેરુસાલેમો વેઅનો મોંદીરોઅ બીજ્યો વોખોત ઉદઘાટોન કોઅનો, તીંહીંઅ ઈયાદગીર્યોઅ ઉજવુણ્યોઅ તો સોમોય આથુ. તે ઉજવુણી હીયાલામ આવત્ની. 23 ઈસુ મોંદીરોઅ ભાગોમ, “સુલેમાનોઅ પાડાલો’ આખત્ને તીયો જાગો ફીરત્નું. 24 તાંહાંઅ યેહુદી ધોરમોઅ થોળાક આગેવાન ઈસુઅ ચારુ વેલ એકઠાઅયા ઓનો તીયાન આખ્યો, “તું કાંઉં લોગોઅ આમહાંન આંદારામ રાખહો? તું ખ્રીસ્ત વેય તા, તો આમહાંન સોક્કો આખી દે!” 25 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, ““માંય ખ્રીસ્ત આહાય’ એવ માંયોં તા તુમહાંન આખીજ દેદોહ, પોન તુમું તો નાંહ માનતા! માંઅ પોરમીહેર બાહકા માંન આપન્યો સોત્તા કોઈન જે ચોમોત્કાર માંય કોઓંહ, તીંહીંપોઅ રેખ તેબી, માંય કોડુ આહાય તો તુમાંઅ જાંઅનુંઅ જોજવે. 26 ઘેટે ભારવાળોઅ રેતેહ, પોન તુમું તા માંઅ લોક નાંહ. એટલે, તુમું માંઅપોઅ વીસવાહ નાંહ રાખતા. 27 જેવ ઘેટે તીંયહાંઅ ભારવાળોઅ ઓવાજ ઉનાયન તીંહીં પોરમાણો ચાનતેહ તેવ, માંઅ લોક માંઅ ઓવાજ ઉનાયન તીંહીં પોરમાણો ચાનતાહ, ઓનો તે માંઅ ચેલા બોંણી ગોયાહ. 28 માંય તીંયહાંન કાયોમોઅ માટો જીવાવહીં. ઓનો તે આત્મીક રીતો કોય દીહ બી માંઅ રેખ ઓલોગ નેંય પોળીઅ. ઓનો કોડો બી તીંયહાંન જોબોરજોસ્તી માંઅપોઅ રેખ પાળાવી નેંય સેકે. 29 માંઅ પોરમીહેર બાહકા જે માંહેંઅ માંન આપ્યેહ, તે બીજો બાદા કોઅતા વાદારુ કીમતી આહાય, એટલે, કોડો બી જોબોરજોસ્તી તીંયહાંન માંઅપોઅ રેખ પાળાવી નાંહ સેકતો. 30 માંઅ પોરમીહેર બાહકુ ઓનો માંય બેનું હારકાજ આહાય.”
31 તો ઓનો પોરમીહેર બેનું હારકાજ આહાય એવ ઈસુ આખ્યો તીંહીંઅ લીદો, તે યેહુદી ધોરમોઅ આગેવાન ઈસુપોઅ ઝાંજવાઅયા ઓનો તીયાન દેયન માઈ ટાકાઅન તીંયહાં ફાચા ઢોગળા વીસ્યા. 32 પોન ઈસુ તીંયહાંન આખ્યો, “માંઅ પોરમીહેર બાહકા માંન કોઆંન આખનો તીંહીં પોરમાણો ઘોણા ચોમોત્કાર કોઅતા તુમહાં માંન દેખનું. તે હેઈન તુમાંઅ ધારનુંઅ જોજવે કા, માંય ઓનો માંઅ પોરમીહેર બાહકુ બેનું હારકાજ આહાય. એટલે, તીંહમે વેઅનો કોન્નો ચોમોત્કારોઅ લીદો તુમું માંન ઢોગળા દેયન માઈ ટાકાઅન માગતાહ?” 33 તાંહાંઅ તીયો યેહુદી ધોરમોઅ આગેવાનહોં તીયાન જોવાબ આપ્યુ, “તુંયોં એક મોડુ ચોમોત્કાર કોઅયુ તીયાઅ લીદો આમું તુંન માઈ ટાકાઅન નાંહ માગતા. પોન ઉલટો, તું એક માંહુંઅજ આહાય તેબી, તું પોતાન પોરમીહેર આખાવોહ તીંહીંઅ લીદો આમું તુંન માઈ ટાકાઅન માગતાહ. 34 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “તુમાંઅ નીયોમહોંઅ ચોપળ્યોમ એખહું, પોરમીહેરો પોતો નીમનો જોજહોંન જો આખનો તો એવ લેખ્યોહ , “તુમું દેવહોંઅ ગાંઉં આહાય એવ માંયોં આખ્યોહ.’ 35 પોરમીહેર તીયો જોજહોંન નીમત્નું તાંહાંઅ, તીયા તીંયહાંન એવ આખ્યો. ઓનો કોડા બી તીંહીંઅ બાબોતોમ વાંદુ નાંહ ઉઠાવ્યુ. ઓનો પોવીતોર લેખાણો વેઅની કોય બી બાબોત કોડો બી કાડી ટાકી નાંહ સેકતો. પોન માંય તા પુર્યો રીતો માંઅ પોરમીહેર બાહકાઅ વેમ તીંહીંઅ ખાતોર તીયા ઓલોગ કોઅનું જાંઅ આહાય. તીયાજ માંન આય દુન્યામ મોકન્યુહ. 36 તાંહાંઅ માંય પોતાન પોરમીહેર આખાવોંહ તીંહમેઅ તુમહાંન કાંહાંન ખોટો લાગેહ? “માંય પોરમીહેરોઅ પોયોર આહાય’ એવ આખીન માંય પોરમીહેરોઅ હારકુજ આહાય એવ આખોંહ તીંહમેઅ તુમું માંઅપોઅ કાંહાંન ઝાંજવાઅતાહ? 37 માંઅ પોરમીહેર બાહકા માંન કોઆંન આખના તે ચોમોત્કાર જો માંય નેંય કોઅતુ તા, તુમું માંઅપોઅ વીસવાહ કોઆ એંહડી આસા માંય નેંય રાખતુ. 38 પોન માંય જો આખોંહ તીંહીંપોઅ તુમું વીસવાહ નેંય કોઆ તેબી, માંય તે ચોમોત્કાર કોઓંહ તીંહીંઅ લીદો તા, તીયો ચોમોત્કારહોંપોઅ રેખ માની નેયા કા, ખ્રીસ્ત માંયજ આહાય. જો તુમું એવ માનહા તા, તુમું નોક્કીજ જાંઅહા કા, માંઅ પોરમીહેર બાહકાઅ માંઅરી ભારી સોબોંદ આહાય ઓનો માંઅ માંઅ પોરમીહેર બાહકાઅરી ભારી સોબોંદ આહાય.”
39 ઈસુઅ ગોઠ ઉનાયન તે ફાચા તીયાન તેઆંન મોથ્યા. પોન તો તીંયહાંઅહીં રેખ સોટકી ગોયુ.
40 હાતીઅ ઈસુ આમાંઅરી યોરદાન ખાડયોઅ દીહ ઉગતાઅ વેલ્યોઅ તોળી ફાચુ ગોયુ ઓનો તાંહીં થોળાક દીહ રેયુ. તીયોજ જાગો યોહાન લોકહોંન પેલ્લાઅ બાપતીસ્મા આપત્નું. 41 ઘોણે માંહેંઅ ઈસુઅહીં આવત્ને. તે આખત્ને: “યોહાનો કોય બી વોખોત ચોમોત્કાર નોખુ કોઅયુ, પોન આય માંઅહાં ઘોણા ચોમોત્કાર કોઅયાહ! યોહાનો આય માંહાંઅ બાબોતોમ જો કાંય આખનો તો બાદો હાચોજ આહાય!” 42 તાંહીં આલને તીંહમેઅ રેખ ઘોણો લોકહોં, “ઈસુજ ખ્રીસ્ત આહાય’ એંહડુ વીસવાહ કોઅયુ.