11
ઈસુ યેરુસાલેમ સેરોમ આવેહ
(માથી ૨૧:૧-૧૧; લુક ૧૯:૨૮-૪૦; યોહાન ૧૨:૧૨-૧૯)
1 ઈસુ નો તીયાઅ ચેલા યેરુસાલેમોઅ પાહો આલા તાંહાંઅ તે જેતુન ડોગર્યોઅ પાહો બેથફાગે ઓનો બેથાની ગામહોંમ આવી પોચ્યા. તાંહીં રેખ ઈસુ તીયાઅ ચેલહાં વેઅનો બેન ચેલહાંન મોકન્યા 2 ઓનો તીંયહાંન આખ્યો, “આગલારોઅ ગામોમ જાયા. ગામોમ વીહતાજ તુમહાંન એક ગોદળો બાંદનો મીલીઅ કા જીયાપોઅ કોડો કોય વોખોત બી નાંહ બોઠો. તીયાન સોળીન માંઅહીં નેઅ આવા. 3 જો એખું તુમહાંન ફુચે કા, ‘તુમું તીયાન કાંહાંન નેઅ જાતાહ?’, તા તીયાન આખજા કા, માલીખોન તીયાઅ જુરુલ અહાય. તો તીયાન તુરુતુજ આંહીં ફાચુ મોકનાવી આપીઅ.’ ”
4 એટલે તે ગોયા ઓનો તીંયહાં ગોલ્યોઅ બાજુમ એક કોઓઅ બાંઅણાઅરી બાંદનો ગોદળાન દેખ્યો. તે તીયાન સોળત્ના 5 તાંહાંઅ તાંહીંરોઅ થોળોક લોકહોં તીંયહાંન ફુચ્યો, “તુમું ગોદળાન કાંહાંન સોળતાહ?” 6 તીયો ચેલહાં તીંયહાંન ઈસુ જો આખનો તો તીયો લોકહોંન આખ્યો. એટલે તીયો લોકહોં તીંયહાંન ગોદળો નેઅ જાઆંન દેદો. 7 તીંયહાં ગોદળાન ઈસુઅહીં દાવીન તીયાપોઅ પોતાઅ પોતળે ટાક્યે ઓનો ઈસુ તીયાપોઅ બોહીન ચાન્યુ. 8 ઘોણો લોકહોં વાટીપોઅ પોતાઅ પોતળે ફાઅત્યે; બીજહાં ખેતહોંમ રેખ ડાલખ્યા વાડી લાવીન વાટીપોઅ ફાઅત્યા. 9 ઈસુઅ આગલાઅ ઓનો ફાચલાઅ ચાનનારા લોક બોમનીન આખત્ના, “હોસાન્ના! માલીખોઅ તોરફયોઅ આવનારાન પોરમીહેર આસીરવાદ આપે! 10 આપોઅ આગલોઅ ડાયા દાવીદોઅ આવનારો રાજોન પોરમીહેર આસીરવાદ આપે! ઉચામ-ઉચો હોરગોમ રેનારા પોરમીહેર, હોસાન્ના!”
11 ઈસુ યેરુસાલેમ સેરોમ વીઠુ ઓનો મોંદીરોમ ગોયુ. તાંહીં ચારુ વેલ્યોઅ બાદયો ચીજહીંપોઅ નોજોર ટાકીન સેરોમ રેખ નીંગ્યુ. કેવકા, વાઅતો પોળી ગોયનો. તો તીયાઅ બાર ચેલહાંઅરી બેથાની ગામ ગોયુ.
ઈસુ ઓંજીરોઅ ચાળોન હારાપ આપેહ
(માથી ૨૧:૧૮-૧૯)
12 બીજો દીહ ઈસુ ઓનો તીયાઅ ચેલા બેથાની ગામોમ રેખ નીંગત્ના તાંહાંઅ, ઈસુન ફુક લાગી. 13 થોળોક સેટો તીયા ઓંજીરોઅ એક ચાળ પાનહોંઅરી દેખ્યો. તીંહીંઅ લીદો, તીયો ચાળોપોઅ ઓંજીરે જોળીઅ કા નાંહ તો હેઆંન ઈસુ તીયાઅ પાહો ગોયુ. પોન તીયા પાહો જાયન હેઅયો તા, ચાળોપોઅ પાનહોં સીવાય કાંય બી નોખો. કાંહાંનકા, તે ઓંજીરહોંઅ સીજોન નોખી. 14 ઈસુ તીયો ચાળોન આખ્યો, “આમુ રેખ કોડો બી ફાચો કોય દીહ બી તોઅપોઅ રેખ ફોલ નેંય ખાય!” ઈસુઅ આય ગોઠ ચેલહાં ઉનાઅયી.
મોંદીરોમ વેપાર કોઅનારહાંન ઈસુ ઓળી કાડેહ
(માથી ૨૧:૧૨-૧૭; લુક ૧૯:૪૫-૪૮; યોહાન ૨:૧૩-૨૨)
15 ઈસુ ઓનો તીયાઅ ચેલા ફાચા યેરુસાલેમ ગોયા. ઈસુ મોંદીરોમ ગોયુ. તાંહીં તો ભોગહોંઅ ખાતોર જાનવોરે વેચનારહાંન ઓનો તે વેચાઅતે નેનારહાંન મોંદીરોમ રેખ ઓળી કાડુ ખેટ્યુ. ઓનો તીયા પોયસા બોદલી આપનારહાંઅ ટેબોલે બી ઉંદે વાલી દેદે ઓનો કોબુતોરે વેચનારહાંઅ ખુળસ્યા બી ઉંદયા વાલી દેદયા. 16 ઓનો તીયા કોડાન બી કાંય બી મોંદીરોમ રેયન નેઅ જાઆંન નેંય દેદો. 17 હાતીઅ તીયા તીયો લોકહોંન હીકવુઅતા આખ્યો, “પોવીતોર લેખાણહોંમ એવ લેખનો આહાય, ‘માંઅ કોઅ બાદયો જાતીઅ લોકહોંઅ માટો માંન ઓરોજ કોઆંન કોઅ આખાઈ’. પોન તુમહાં તા તીયાન લુટારહોંઅ દોબાઅન જાગુ બોંણાવી દેદુહ!” 18 ઈસુ મોંદીરોમ જો કોઅનો તીંહીંઅ બાબોતોમ મોડો પુંજારહાં ઓનો યેહુદી નીયોમ હીકવુઅનારહાં ઉનાઅયો તાંહાંઅ તે તીયાન માઈ ટાકાઅન તોક હોદા ખેટ્યા. પોન લોકહોંઅ ટોલુ તીયાઅ ઉપદેસોઅ લીદો બોગલાય ગોયુહ તીયાઅ લીદો તીંયહાંન તીયાઅ બીખ બી આથી. 19 વાઅતો પોળ્યો તાંહાંઅ, ઈસુ ઓનો તીયાઅ ચેલા યેરુસાલેમ રેખ નીંગી ગોયા.
હુકાય ગોયનો ઓંજીરોઅ ચાળોપોઅ રેખ હીકામોણ
(માથી ૨૧:૨૦-૨૨)
20 બીજો દીહ વેગીઅ ઈસુ ઓનો તીયાઅ ચેલા યેરુસાલેમોઅ વાટો જાત્ના તાંહાંઅ ચેલહાં દેખ્યો કા, તો ઓંજીરોઅ ચાળ એકદોમ હુકાય ગોયનો. 21 તાંહાંઅ ઈસુ તીયો ચાળોન જો આખનો તો ઈયાદ કોઈન પીતોરો તીયાન આખ્યો, “ગુરુજી, હેઅ! તુંયોં હારાપ આપનું તો ઓંજીરોઅ ચાળ હુકાય ગોયોહ!”
22 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપતા આખ્યો, “તુમુંહ પોરમીહેરોપોઅ જો કોઆંન કાલાવાલા કોઅહા તો પોરમીહેર કોઈઅ એંહડુ વીસવાહ રાખા.a 23 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: તુમું આય ડોગોઅન આખી સેકહા, ‘આંહીં રેખ ઉપટાયન તાલાયોમ પોળ!’, ઓનો તેવ વેઈ એંહડુ જો તુમું મોનોમ સોંકા રાખ્યા વોગોર વીસવાહ રાખહા તા, પોરમીહેર તુમાંઅ માટો તેવ કોઈઅ. 24 તીંહીંઅ લીદો, માંય તુમહાંન આખોંહ, પોરમીહેરોન ઓરોજ કોઅતા તુમું તીયાપોઅ કાંયક માગા તાંહાંઅ તો તુમહાંન મીલી ગોયોહ એંહડુ વીસવાહ રાખા, ઓનો તો તુમહાંન મીલીઅ. 25 જેંહડામ બી તુમું પોરમીહેરોન ઓરોજ કોઆ તેંહડામ, કોડા બી તુમાંઅ ખોટો કોઅયો વેય તીંહીંઅ લીદો તીયાપોઅ તુમહાંન ઝાંજ વેય તા, તીયાન માફ કોઆ! તાંહાંઅ હોરગો વેઅનું તુમાંઅ બાહકુ બી તુમાંઅ પાપ માફ કોઈઅ. 26 [[પોન જો તુમું માફ નેંય કોઆ તા, હોરગો વેઅનું તુમાંઅ બાહકુ બી તુમાંઅ પાપ માફ નેંય કોએ.]]
યેહુદી વોળીલ ઈસુન તીયાઅ સોત્તાઅ બાબોતોમ સોવાલ ફુચતાહ
(માથી ૨૧:૨૩-૨૭; લુક ૨૦:૧-૮)
27 ઈસુ ઓનો તીયાઅ ચેલા ફાચા યેરુસાલેમોઅ મોંદીરોમ આલા. ઈસુ તાંહીં ફીરત્નું તાંહાંઅ, મોડા પુંજારા, નીયોમ હીકવુઅનારા, ઓનો વોળીલ તીયાઅહીં આલા. 28 તીંયહાં તીયાન ફુચ્યો, “તુંયોં હાકાલ આંહીં જો કોઅનો તેંહડે કામે કોઆંન તોઅપોઅ કોન્ની સોત્તા આહાય? કોડા તુંન એ સોત્તા આપીહ?”
29 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “માંય તુમહાંન એક સોવાલ ફુચહીં. જો તુમું માંન તીંહીંઅ જોવાબ આપા તા, તે કામે કોઆંન માંન કોડા સોત્તા આપીહ તો માંય તુમહાંન આખહીં. 30 બાપતીસ્મા આપાઅન સોત્તા યોહાનોન પોરમીહેરો આપની કા લોકહોં? માંન જોવાબ આપા!”
31 તાંહાંઅ તીંયહાં માજાઅ-માજ ચાર્ચા કોઅયી. તીંયહાં આખ્યો, “‘પોરમીહેરો આપની’ એવ જો આપુ આખજી તા, તો આપહોંન ફુચીઅ, ‘તાંહાંઅ યોહાન જો આખત્નું તીંહીંપોઅ તુમહાં વીસવાહ કાંહાંન નાંહ કોઅયુ?’ 32 ‘લોકહોં આપની’ એવ જો આપુ આખજી તા …?” તેવ આખાઅન તીંયહાંન બીખ લાગી. કેવકા, યોહાન ખોરેખોર પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ આથુ એવ બાદા લોક માનત્ના. 33 તીંહીંઅ લીદો, તીંયહાં ઈસુન જોવાબ આપ્યુ, “આમહાંન ખોબોર નાંહ.” તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “માંય બી તુમહાંન આખનારુ નાંહ કા, કોડાઅ સોત્તા કોઈન માંય તે કામે કોઓંહ.”